મહાશક્તિ સ્વરૂપ

શ્રી મહાદેવી નિકુંભલાનું તત્ત્વ, ઇતિહાસ અને ઉપાસના

મહાદેવી નિકુંભલા વિષેનો આ વિશદ લેખ પ્રાચીન શક્તિ પરંપરા, રામાયણ સંદર્ભો, દક્ષિણ ભારતની ઉપાસના-રીતિઓ અને આધુનિક સાધના માર્ગને એક જ પ્રવાહમાં રજૂ કરે છે.

પ્રાચીન પરંપરા રામાયણ સંદર્ભ સાધના માર્ગ

તત્ત્વદૃષ્ટિ

મહામાયા અને સર્જનના પાંચ આયામો

સાધક મિત્રો,

ભારતીય સંસ્કૃતિના ધાર્મિક - આધ્યાત્મિક વિકાસની ખુબ લાંબી પરંપરા રહી છે. પ્રાચીન ઋષિ-મુનીઓએ આપણી ફિલસુફીમાં બ્રહ્માંડ વિકાસની પ્રકીયામાં જીવ - ઈશ્વર - માયા બ્રહ્મ - પર બ્રહ્મના પાંચ સ્તરોનું વિશદ જ્ઞાન મેળવીને તેની ચકાસણી કરેલી છે. પર બ્રહ્મથી લઈને જીવની ઉત્પત્તિ સુધી કેવા કેવા આયામો હોય છે અને પરમાત્માએ પોતાની ઈચ્છાથી એકમાંથી અનેક થવાનો જે મહાન સંકલ્પ કર્યો અને તેનાથી બ્રહ્માંડ તથા તેનાં આનુષાંગીક સ્તરો, અને અંતે તેમાં સજીવ - નિર્જીવ તત્ત્વોનું કેવી રીતે નિર્માણ થયું એ બધુ આપણા પ્રાચીન ગ્રંથોમાં ખૂબજ તાત્ત્વિક રીતે છણાવટ પામીને ગ્રંથીત થયેલું છે. પરબ્રહ્મના નીચેના સ્તરના અને એના અંશાત્મક એવા બ્રહ્મ અને માયાને કારણે એના નીચલા સ્તરના ઈશ્વર અને જીવની ઉત્ત્પત્તિ કેવી રીતે થઈ તે આ ગ્રંથોમાં ખુબજ વિસ્તારથી જણાવેલું છે. આ પાંચ આયામોના મધ્યમાં રહેલી માયા જેણે આપણે પ્રકૃતિ કહીએ છીએ તે એક મહાશકિત છે. આ માયા કે મહામાયાના સ્તરે સર્જન - વિકાસ - વિસર્જનની પ્રક્રિયાઓ નિરંતર ચાલતી રહેતી હોય છે. પ્રકૃતિના ત્રણ ગુણો જેવા કે સત્ત્વ - રજસ અને તમસ અને મૂળ તત્ત્વોના સંમમિશ્રણથી અનેક સજીવ - નિર્જીવ પદાર્થોનું સંગઠન - વિઘટન નિરંતર ચાલતું રહેતું હોય છે. આ નિર્માણ પામેલા સજીવ - નિર્જીવોનું નિયંત્રણ ઈશ્વરીય સ્તર કરે છે અને તેની પર રહેલું માયા - મહામાયાનું સ્તર આ બન્ને સ્તરો ઉપર નિયંત્રણ ધરાવે છે. સર્જન - વિકાસ - વિસર્જનની પ્રક્રિયામાંથી જે જીવ બહાર નીકળી જાય તે મહા માયાનાં સ્તરને ઓળંગીને બ્રહ્મ અને બાદમાં મૂળ અસ્તિત્ત્વ એવા પરબ્રહ્મમાં વિલીન થઈ જાય છે. આપણા ઋષિ મુનીઓએ આ મહામાયાની સગુણ - સાકાર કલ્પના કરીને તેને મહા શકિતનું સ્વરૂપ આપ્યું છે. બ્રહ્મ પોતે નિષ્ક્રીય હોય છે પણ જેવું તે મહામાયાનાં સંપર્કમાં આવે છે તેવુંજ તે સક્રિય બની જાય છે અને તેના લીધે પ્રકૃતિની રચના થઈને તેની નીચેના આયામો સર્જાય છે.

આપણા ઋષિ મુનીઓએ આ સગુણ - સાકાર મહામાયા જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે તેને સ્ત્રી / માતૃકા સ્વરૂપે કલ્પીને તેના વિવિધ સુંદર સ્વરૂપો સર્જ્યા છે. આ સ્વરૂપોના આવિષ્કાર માટે પૂજા, યંત્રો, મંત્રો અને યજ્ઞોનો આવિષ્કાર કરેલો છે. આ પ્રયોગોને કારણે અસંખ્ય પ્રાકૃતિક તત્ત્વોને આપણે ઈશ્વર તથા મહામાયાના પ્રતિકાત્મક સ્વરૂપે જોઈ શકીએ છે. પ્રાચીન આર્યોના સપ્ત સિંધુના પ્રવેશ પહેલાં ભારતમાં નિવાસ કરતી પ્રાચીન જાતિઓમાં શકિત પૂજા, લિંગ પૂજા, યોની પૂજા, પશુ પૂજા, પક્ષી પૂજા, નાગ પૂજા, ભૂત પ્રેત પૂજા, વૃક્ષ પૂજા તથા અન્ય પૂજા વગેરેના પ્રકારો જોઈ શકાય છે. મોહેંજોદડો અને હડપ્પાનાં ઉત્ખનન પામેલા પ્રાચીન અવશેષોમાંથી તે સમયે આ બધી પૂજાઓ થતી હતી તેના પુરાવા પ્રાપ્ત થયા છે. પ્રાચીન સમયમાં કોઈ પાંચથી આઠ વર્ષની કોઈ પવિત્ર બાળામાં માતૃકા શકિતનો વાસ કલ્પીને તેની જીવતં દેવી તરીકે પૂજા થતી હતી તેવા ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં જોઈ શકાય છે. તદઉપરાંત જગતની પ્રાચીનતમ સંસ્કૃતીઓમાં પણ આ દેવી પૂજાનાં અલગ અલગ પ્રકારો હતા તેવા ઉલ્લેખો મળી આવ્યા છે. આપણી પ્રાચીન અથર્વણ પરંપરામાં શ્રી મહાદેવી નિકુંભલા એ મહામાયાનું એક પ્રતિભાસિક સ્વરૂપ હતું તેવા ઉલ્લેખો મળી આવ્યા છે. આર્યેતર જાતિઓમાં શ્રી નિકુંભલા દેવીનું સ્વરૂપ ખુબજ પ્રસિદ્ધ અને પૂજનીય હતું તથા ઘણી બધી જાતીઓના તે કુળદેવી તરીકે પ્રસ્થાપિત થયેલાં હતાં. આપણા પ્રાચીન ગ્રંથોમાં સમગ્ર દેવી દેવતાઓ તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેમને વંદન કરતા હતા તેવા ઉલ્લેખો મળી આવ્યા છે.

ઇતિહાસપ્રવાહ

પ્રાચીન પરંપરા, રાક્ષસ સંસ્કૃતિ અને શક્તિ ઉપાસના

મહાદેવી નિકુંભલાની પૂજા - અર્ચના - સાધના - ભક્તિ વગેરેનું શકિત પૂજાની પ્રાચીન પરંપરાઓમાં ગૌરવવંતું સ્થાન હતું. રામાયણ કાળમાં તેની સાધનાના ઉચ્ચ આયામો સર્જાયા હતાં. પૂર્વ એશિયામાં વિસ્તરેલી રાક્ષસ જાતીના સમુહોમાં શકિત - દેવી - સાધનાઓ - પૂજાઓ વગેરે ખૂબજ વ્યાપક પ્રમાણમાં પ્રચલીત હતી. રાક્ષસરાજ રાવણે જયારે રાક્ષસોની બે જાતી વિરાધ અને દાનવોનો પરાભવ કરીને તેમને તેની રાક્ષસ જાતીમાં જોડી દીધા ત્યારે મહાદેવી નિકુંભલા સમગ્ર રાક્ષસ જાતિનાં કુળદેવી બની ગયા. રાવણના રાક્ષસ સામ્રાજયની રાજધાની શ્રીલંકાના તો તે નગરદેવી બની ગયા હતા. રાવણના સમયમાં મહાદેવી નિકંભલાની પૂજા - સાધનાના ત્રણેય પ્રકાર (સાત્ત્વિક, રાજસીક, તામસિક ) પ્રચલિત હતાં. મહાદેવી નિકુંભલાની અવિરત કૃપાને કારણે રાક્ષસ સામ્રાજય સુદૂર પૂર્વનાં દક્ષિણ એશિયાના સંસ્થાનો અને છેક ઓસ્ટ્રેલીયા ખંડ સુધી ફેલાયેલું હતું. આ તમામ રાક્ષસ સામ્રાજયોમાં મહાદેવી નિકુંભલા અને બીજી પ્રકિર્ણ દેવીઓની પૂજા થતી હતી. રાક્ષસોની બીજી એક જાતી જે મધ્ય અમેરિકાના હાલના મેકિસકો તથા દક્ષિણ અમેરીકાનાં ઉત્તર ભાગમાં (માયન અને એઝટેક સંસ્કૃતી) વિકસી હતી અને તેમાં દેવી પૂજન સાથે સૂર્ય ઉપાસનાઓ પણ પ્રચલિત હતી. આ જાતિ મય દાનવ તરીકે ઓળખાતી હતી. આ તમામ રાક્ષસ જાતિઓ ખૂબજ શક્તિશાળી, મહેનતું, સાગરખેડુ, કલા - કારીગીરીમાં નિપૂણ, સુંદર ભવનોનું નિર્માણ કરનાર, મોજીલી, શોખીન અને જીવનના આનંદને ભરપૂર માણનારી હતી. રાક્ષસરાજ રાવણના અંત પછી વિભીષણ અને તેના અનુગામીઓના સમયમાં રાક્ષસ જાતિ તેની આગવી ઓળખ ગુમાવતી ગઈ અને કાળક્રમે તે વિશાળ વૈદિક સંસ્કૃતિમાં વિલીન થતી ગઈ. હાલના દક્ષિણ ભારતના કેટલાક દ્રવિડ સમુદાયો રાક્ષસ જાતિના લક્ષણો ધરાવે છે તે જોઈ શકાય છે. અમેરિકાના માયન અને એઝટેક સંસ્કૃતિઓના દાનવોનું હજુ હમણાં છસો વર્ષ પહેલાં સુધી અસ્તિત્વ જોઈ શકાય છે. રાવણની પત્ની મંદોદરી મય દાનવ જાતિની હતી. આ જાતિના પ્રાચીન નગરો અને તેમના પૂજા સ્થાનના અવશેષો આજે પણ જોઈ શકાય છે. સ્પેનીશોના સતત હુમલાઓને કારણે આ સંસ્કૃતિ પરાભવ પામી અને કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ પણ તેના ભગ્ન ખંડેરો તેમની પ્રાચીન જાહોજલાલીની હજુ યાદ આપે છે.

રામાયણ મહાકાવ્યના પ્રાચીન ગ્રંથોમાં રાક્ષસોમાં શ્રી નિકુંભલા દેવી ખૂબજ પ્રચલિત હતા તેવા ઉલ્લેખો જોઈ શકાય છે. અલગ - અલગ ગ્રંથ કર્તાઓએ તેના ઓછા વત્તા પ્રમાણમાં ઉલ્લેખો કરેલા છે. રામાયણ મહાકાવ્યનો ઉદ્દેશ મહાન આર્યવીર શ્રી રામ અને તેની સહાયમાં રહેલ વાનર જાતિનાં રાક્ષસરાજ રાવણ સાથેના યુદ્ધમાં શ્રીરામ વિજય અને રાક્ષસોના પરાભવના પ્રસંગને જ મહત્વ આપવાનો હેતુ હોવાથી તેઓએ તેમાં આર્ય પરંપરાઓને પ્રધાનપણે સ્થાન આપ્યું છે અને પરાજીત રાક્ષસજાતિ ને હીન, નિમ્ન કક્ષાની અને ઉતરતી ચીતરીને તેમની પરંપરાઓ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. વાસ્તવમાં રાક્ષસ જાતિ અને વાનર જાતિ વચ્ચે કાયમી સંધિ હતી પરંતુ વાનર નરેશ સુગ્રીવે શ્રીરામના ઉપકારનો બદલો ચૂકવવા માટે શ્રીરામને રાક્ષસો સામેના યુદ્ધમાં સાથ આપ્યો અને તેના કરાણે રાક્ષસ જાતિ પરાભવ પામી. આ મહાયુધ્ધને કારણે રાક્ષસ જાતિમાંથી વિભીષણ અને વાનર જાતિમાંથી હનુમાન નવી વિકસતી જતી આર્યસંસ્કૃતિનાં સમાયોજક બની ગયા અને તેમના અનુગામીઓના સમયમાં એટલે કે મહાભારત કાળ આવતા સુધીમાં આ બન્ને જાતિ તથા અનાર્યોની બીજી બાર જેટલી જાતિઓ ઉત્તર વૈદિકકાળની સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ. પરંતુ વિકસી રહેલી ઉત્તર વૈદિકકાળની સંસ્કૃતિમાં તેમના અમુક રીતી રીવાજો અને દેવ દેવી પૂજનના પ્રકારો તેમની આગવી છાપ પ્રછન્નરૂપે છોડી ગયા હતા તે નકારી શકાય તેમ નથી.

રામાયણ સંદર્ભ

લંકા, મેઘનાદ અને મહાદેવીની અદભુત પ્રભાવશક્તિ

હાલ ભારતમાં બસો પ્રકારનાં રામાયણો પ્રચલિત થયેલાં જોઇ શકાય છે. રામાયણના પ્રકિર્ણ ગ્રંથોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે મહાદેવી નિકુંભલા લંકાના નગર દેવી હતા. રાવણ તથા તેમના પુત્રો અને બીજા અગ્રગણ્ય રાક્ષસ સરદારો મહાદેવીની પૂજા અર્ચના તથા સાધના કરતા હતા. ત્રિકૂટ પર્વત પર વસેલી લંકા નગરીના ઉત્તર ભાગમાં મહાદેવી નિકુંભલાનું ભવ્ય અને વિશાળ મંદિર હતું. એમાં મહાદેવીની સોનાની રત્ન જડિત મૂર્તિ હતી. પૂજારીઓ, સેવાદારો, દાસો, દેવદાસીઓ વગેરેથી તે ધમધમતું હતું. એ સમયે શકિત પૂજાના જે જે પ્રકારો પ્રચલિત હતાં તે મુજબ વિવિધ પ્રકારોથી મહાદેવીની પૂજા થતી હતી. શ્રીરામ સાથે યુદ્ધ જાહેર થાય છે ત્યારે શત્રુ વિજય પ્રાપ્ત કરવા રાવણ પુત્ર મેઘનાદ (ઈન્દ્રજીત) મહાદેવી નિકુંભલાની તામસિક -વિધ્વંશક શકિત જાગ્રત કરી તેની કૃપા મેળવવા માટે રાત્રીના સમયે અભિચાર યજ્ઞ કરવાનું આરંભે છે. વિભિષણે તો શ્રી રામને આ વાત જણાવી હતી, પરંતુ તે ઉપરાંત ભગવાન શંકર નારદમુનીને શ્રી રામ પાસે મોકલીને સંદેશો કહેવડાવે છે કે " મેઘનાદે આરંભેલા યજ્ઞનો ભંગ કરાવો નહીં તો જો તેનો આ અભિચાર યજ્ઞ સફળ થશે તો હું, બ્રહમા અને વિષ્ણુ ત્રણેય સાથે મળીશું તોય મહાદેવી નિકુંભલાના રક્ષણ નીચે રહેલા મેઘનાદનો વિનાશ નહિ કરી શકીએ." નારદજીની વાત સાંભળીને શ્રીરામે સુગ્રીવ, હનુમાન, લક્ષ્મણ, નલ, નીલ, અંગદ અને વાનરોની ટુકડી મોકલીને યજ્ઞનો ભંગ કરાવવા માટે આદેશ આપે છે. આ ટુકડી મંદિર પર હુમલો કરીને રાક્ષસ રક્ષકો મારીને મેઘનાદના યજ્ઞની તૈયારી છિન્ન ભિન્ન કરી દે છે અને તેનો યજ્ઞ ભંગ કરી દે છે. મેઘનાદને નિકુંભલાદેવીની કૃપા મેળવવાથી વંચિત કરી દે છે અને જેથી તેનો અને રાક્ષસોનો અંતે યુધ્ધમાં પરાભવ થાય છે. આના ઉપરથી આપણે એટલુ જાણી શકીએ છીએ કે આ મહાદેવીની શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર માહિતગાર હતા અને તેમની કૃપા અને અગમચેતીના કારણે જ શ્રીરામ અને વાનરોનો મહાદેવી નિકુંભલાની પ્રહાર શકિતથી બચાવ થાય છે અને અંતે શ્રીરામનો વિજય થાય છે. એવા ઉલ્લેખો મળી આવ્યા છે કે રાવણના પરાભવ પછી વિભીષણ ગાદીએ બેસે છે પછીથી તે અને મંદોદરી શ્રી નિકુંભલા દેવીના મંદિરમાં રામ લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, જાંબુવાન, અંગદ અને બીજા બધા વાનર વીરોની હાજરીમાં મોટો યજ્ઞ કરે છે. વિભીષણ, રામ, લક્ષ્મણ સહિત આ બધા જ વાનર વીરો મેઘનાદનો યજ્ઞ ભંગ કરવા બદલ મહા દેવીની ક્ષમા યાચના કરે છે. આ પ્રસંગે મહાદેવી પ્રત્યક્ષ થઈને બધા ઉપર પોતાના આશીર્વાદ વરસાવે છે.

આગળ જતાં કાળની ગર્તામાં આ મહાદેવી નિકુંભલાનાં પૂજન - સાધનાની પરંપરા વિલુપ્ત થયેલી જોઈ શકાય છે. કદાચ એવું પણ બની શકે કે નવી ઉભરી રહેલી વૈદિક - આર્ય સંસ્કૃતિમાં વિકસી રહેલા નવા શાકત સંપ્રદાયોમાં તેની અવગણના થઈ હોય અથવા આ મહાશકિતની સાધનાનાં પ્રકારો રાક્ષસ જાતિના પતનની સાથેજ લુપ્ત થઈ ગયા હોય!, જેથી કાળક્રમે શ્રી નિકુંભલાદેવી પણ વિસરાઈ ગયા હોય તે બનવા જોગ છે ! એવું પણ બની શકે કે વિજેતા આર્ય જાતિએ રાક્ષસ પરંપરાનું નિર્મૂલન કરવાનાં ભાગ રૂપે પ્રયત્ન પૂર્વક આ મહા દેવીની પૂજા પરંપરાને અવગણી હોય! જે હશે તે, પરંતુ કોઈ અગમ્ય કરણોસર લોક માનસમાં જળવાઈ રહેલી મહાદેવી નિકુંભલા પ્રત્યેની અવિચર શ્રદ્ધા તથા ચાલી આવતી પરંપરાઓના કારણે યેનકેન પ્રકારે આજ સુધી તેમની પ્રગટ કે અપ્રગટ રૂપે હાલ પ્રચલિત પૂજન/ભકિત નો પ્રાચીન ક્રમ જળવાઈ રહેલો જણાય છે. શ્રી લંકાની રાજધાની કોલંબો અને બીજા સ્થળોએ નિકુંભલા દેવીના મંદિરો જોઈ શકાય છે. હાલ દક્ષિણ ભારતમાં મહાદેવી નિકુંભલાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે તેમાં મહાદેવી પ્રત્યાંગિરાનું આગવું મહત્વ છે. ત્યાં પ્રત્યાંગિરા રૂપે મહાદેવી નિકુંભલાના રાજ રાજેશ્વરી સ્વરૂપનું પૂજન થાય છે. તામિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં તેમના ઘણાં બધાં મંદિરો આવેલા છે. શ્રી મહાદેવી નિકુંભલાના સત્વ - રજસ - તમસ્ સ્વરૂપોની પૂજાના પ્રકારો તથા મતોનું દક્ષિણ ભારતના તંત્ર ગ્રંથ્રોમાં આગવું મહત્વ છે અને ઘણી બધી શક્તિ પીઠોમાં તેનું જરૂરિયાત મુજબ પૂજન અર્ચન થાય છે. પરંતુ મુખ્યત્વે તેમનું રાજરાજેશ્વરી સ્વરૂપ જ વધારે પ્રચલિત અને કલ્યાણકારી ગણાય છે. આપણને નવાઈ લાગે પણ દક્ષિણ ભારત અને શ્રીલંકામાં રાવણ અને મેઘનાદની પૂજા થાય છે અને તેમનાં મંદિરો પણ છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર વધ્યા પછી મહાદેવીના પૂજન અર્ચનમાં થોડી ઓટ આવી હતી પણ તે નિર્મૂલન થઈ ન હતી જેથી આજે પણ તેમના મંદિરો અને પૂજન થતાં જોઈ શકાય છે. શ્રીલંકા અને દક્ષિણ ભારતનાં મોટાભાગનાં મકાનોના મુખ્ય પ્રવેશ દ્વારનાં ચોકઠાં ઉપર રાવણનું મહોરું લગાડવાનો રિવાજ છે. એવું કહેવાય છે કે આ મહોરું લગાવવાથી ઘરમાં અનિષ્ટ તત્ત્વોનો પ્રવેશ થતો નથી. ત્યાં રાવણના નામની બાધાઓ પણ રાખવામાં આવે છે. સુદૂર પૂર્વના દેશોમાં પણ રાવણ, મેઘનાદનાં મંદિરો જોઈ શકાય છે. એક એવો આશ્ચર્ય જનક વિરોધાભાસ સ્પષ્ટ રૂપે ઉડીને આંખે વળગે છે કે ઉત્તર ભારતમાં રાવણને નફરતનું પાત્ર બનાવીને તેનું દહન કરવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં તેને પૂજનીય ગણીને તેમાં મંદિરો બંધાય છે અને તેનું પૂજન થાય છે.

આજનો માર્ગ

અંતર્ગત સાધના, પરંપરાનું પુનર્જાગરણ અને કૃપા પ્રસાદ

દક્ષિણ ભારતમાં આવેલા કેટલાક શકિતપીઠોમાં શ્રી નિકુંભલા દેવીની અતિગુપ્ત અથવા સુષુપ્ત પડી રહેલી પ્રાચીન પૂજન અને સાધનાની વિધિઓનું પુનઃસંસ્કરણ કરી તેને નવો ઓપ આપીને મહાદેવીની કલ્યાણકારી શકિતઓ જાગ્રત કરવાના પ્રયોગો - પ્રયત્નો થઈ રહયા છે. શકિતપીઠોની વેબસાઈટ અથવા તાંત્રિક ગ્રંથોના અભ્યાસથી આ બાબતની વધુ વિગતો મેળવી શકાય છે.

હાલ આપણે જે મહાદેવીના પૂજન - અર્ચન - સાધનનો જે ક્રમ વિકસાવ્યો છે તે મહાદેવી નિકુંભલાએ પ્રત્યક્ષ ધ્યાનમાં આવીને આપ્યો છે. પ્રવર્તમાન પ્રચલિત મંત્રો - સ્તોત્રોનો તથા યજ્ઞ વિધિનો, પ્રયોગ કરીને તેમના રાજરાજેશ્વરી સ્વરૂપનાં આર્શીવાદ મેળવી શકાય તેવું તેમણે જણાવેલું છે. તેમના પૂજનનું જેવું બાહય સ્વરૂપ છે તેવું જ આંતરિક સ્વરૂપ પણ છે. તેમના આંતરિક સ્વરૂપનું પૂજન કેવલ સક્ષમ સાધકો જ કરી શકે છે. શ્રી મહાદેવી નિકુંભલાના અતિ કલ્યાણકારી સ્વરૂપના કૃપા પ્રસાદનો મોટા ભાગના આપણા સાધકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ મેળવેલો જ છે તેમાં કોઈ શંકા નથી.

આજની પરંપરા

શ્રી લંકા, દક્ષિણ ભારત અને અનેક શક્તિ પીઠોની પરંપરામાં મહાદેવી નિકુંભલાના વિવિધ સ્વરૂપોની ઉપાસના આજે પણ જળવાઈ રહેલી જણાય છે. ખાસ કરીને પ્રત્યાંગિરા અને રાજરાજેશ્વરી સ્વરૂપે તેમની પૂજા કલ્યાણકારી અને શક્તિપ્રદ માનવામાં આવે છે.

સાધના સંદેશ

હાલ વિકસાવવામાં આવેલ પૂજન - અર્ચન - સાધનાનો ક્રમ મહાદેવી નિકુંભલાના પ્રત્યક્ષ ધ્યાનથી પ્રેરિત માનવામાં આવે છે. પ્રવર્તમાન મંત્રો, સ્તોત્રો અને યજ્ઞવિધિના અનુસંધાનમાં સક્ષમ સાધકો તેમના બાહ્ય તેમજ આંતરિક બન્ને સ્વરૂપના કૃપા પ્રસાદનો અનુભવ કરી શકે છે.