મોગલ સમ્રાટ અકબરની નજર મેવાડ રાજ્ય ઉપર પડી હતી. મેવાડ કબજે કરવા ઈ. સં. ૧૫૭૬ માં મોગલ સૈન્ય લઈને અકબર નીકળી પડ્યો હતો. રાજપૂત સરદારો અને મંત્રીઓની સલાહ અનુસાર રાણા ઉદયસિંહ અને તેમનો પરિવાર ચિત્તોડગઢ છોડીને કોઈ સલામત સ્થાને પ્રયાણ કરી ગયો હતો. અને ચિત્તોડગઢના રક્ષણની જવાબદારી તેમના બે બહાદુર સરદારો જયમલસિંહ રાઠોડ તથા ફત્તાસિંહને સોંપી હતી. વિશાળ મોગલ સૈન્યે ચિત્તોડગઢને ઘેરો ઘાલ્યો હતો. પરંતુ ગઢમાં રહેલા રાજપુતોના લશ્કરે જોરદાર વળતી લડત આપી હતી. આ સંગ્રામ પાંચ મહિના જેટલો લાંબો ચાલ્યો હતો. મોગલ લશ્કરનું તોપખાનું પણ ગઢને ધ્વંસ કરી શક્યું ન હતું. પરંતુ ઘેરો લાંબો ચાલવાથી ગઢમાં સર્જાતી મુશ્કેલીઓને કારણે રજપૂતોને થોડી પીછેહટ કરવી પડી હતી. એક રાત્રે કિલ્લાની દીવાલમાં પડેલું એક બાકોરું સમરાવતી વખતે જયમલસિંહને અંધારામાં અકબરની 'સંગ્રામ' નામની બંદૂકમાંથી વછુટેલી ગોળી વાગી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. તેમના બાદ લશ્કરની આગેવાની ફત્તા સિંહે લીધી હતી અને આ ધમાચકડીમાં તેમનું પણ મોત નીપજ્યું હતું.
રાજપૂત સૈન્યની સતત ખુવારીને કારણે તેઓની સંખ્યા ખૂબજ સીમિત થઈ ગઈ હતી. જેથી અંતે તેઓએ મરણીયા બનીને કેસરિયા કરવાનો નિર્ણય કર્યો હતો. ગઢમાં રાજપુતાણીઓએ જૌહર કરવાની તૈયારીઓ કરી ચિતા પ્રગટાવી હતી. અને રજપૂતો કાવા - કસુંબા કરીને, કેસરી વાઘા પહેરીને અંતિમ યુદ્ધ લડવા માટે કલ્યાણસિંહ રાઠોડની આગેવાનીમાં ગઢના દરવાજા ખોલી નીચે ઉતરી પડ્યા હતા. કેસરિયા કરવા નીકળી પડેલા રાજપૂતોના લશ્કરની અમાપ શૂરવીરતાને કારણે મોગલ સૈન્યમાં હાહાકાર મચી ગયો હતો અને નાસભાગ થઈ રહી હતી. પરંતુ અંતે વિશાળ મોગલ સૈન્ય સામે રાજપુતોનું સૈન્ય ટકી ના શક્યું, અને અંતે મોગલ સૈન્યે ચિત્તોડગઢનો કબજો લીધો હતો. કિલ્લામાં પ્રવેશી મોગલ સેનાએ ત્રીસ હજાર રજપૂતોની કતલ કરી હતી. આ યુદ્ધમાં શ્રી કલ્યાસિંહજી રાઠોડનું મસ્તક ધડથી જુદું થઇ ગયું હતું.
આ યુદ્ધમાં રાજપુતોના શૌર્યથી મોગલ સમ્રાટ અકબર ખૂબજ પ્રભાવિત થઈ ગયો હતો અને રણબાંકુરા રાજપૂત સરદારો શ્રી જયમલસિંહ અને શ્રી ફત્તાસિંહની વીરતાની કદર કરીને તેમનાં હાથી પર સવારી કરતા બે આરસ પહાણનાં બાવલા બનાવીને આગ્રાના કિલ્લાના દરવાજે મુકાવ્યા હતા અને આ રીતે સમ્રાટ અકબરે રાજપૂતોના શૌર્યને બિરદાવીને અંજલી આપી હતી. હાલમાં ચિત્તોડગઢના કિલ્લામાં ચઢતાં પ્રથમ દરવાજા પછી તેના માર્ગમાં શ્રી જયમલસિંહજી અને શ્રી કલ્લાજી રાઠોડની છત્રીઓ (સમાધી) આવેલી છે. ત્યાં આજે પણ પૂજન – દર્શન વગેરે થાય છે. આ છત્રીઓ આ રણબાંકુરા વીરોની વીરતાની સાક્ષી પૂરે છે.
મેવાડ- રાજસ્થાનનું ચારણી સાહિત્ય, દંતકથાઓ અને લોકવાયકાઓએ સાડા ચારસો વર્ષથી આ યુદ્ધની અને શ્રી કલ્યાણસિંહ રાઠોડની વીરતાની લોકકથાઓ સંગ્રહી રાખી છે. લોકવાયકાઓ એવી છે કે વીરવર શ્રી કલ્યાણ સિંહજી - કલ્લાજી રાઠોડ તેમના કુળદેવી શ્રી નાગણેચી માતા અને શ્રી કાળભૈરવના પ્રખર ઉપાસક હતા. આ બંનેના આશીર્વાદને કારણે નાની ઉમરમાં જ તેઓએ અદ્ભુત પરાક્રમો કર્યા હતા, જેથી તેમની વીરતાની સુવાસ પૂરા મેવાડમાં પ્રસરી ગઈ હતી. મોગલ સૈન્ય સામેના યુદ્ધમાં તેઓ તેમના કાકા શ્રી જયમલસિંહજી રાઠોડ અને શ્રી ફત્તાસિંહની સાથે આગલી હરોળમાં રહેતા હતા. જયારે શ્રી જયમલસિંહજીને પગે ગોળી વાગી અને યુદ્ધ કરવા માટે તેઓ અશક્ત બન્યા ત્યારે શ્રી કલ્લાજી રાઠોડ તેઓને પોતાના ખભા ઉપર બેસાડીને યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા હતા. શ્રી જયમલસિંહના હાથમાં બે તલવાર અને શ્રી કલ્લાજીના હાથમાં બે તલવાર, એમ ચતુર્ભુજ સ્વરૂપે યુદ્ધ કરીને તેઓએ મોગલ સૈન્યમાં હાહાકાર મચાવી દીધો હતો. અંતે જયારે શ્રી જયમલસિંહ અને શ્રી પત્તાસિંહનું મોત નીપજ્યું ત્યારે શ્રી કલ્લાજી સ્વયં લશ્કરની આગેવાની લઈને દુશ્મનો ઉપર કેસરિયા કરવા માટે તુટી પડ્યા હતા. અંતિમ યુદ્ધમાં નીકળતાં પહેલાં કુળદેવી શ્રી નાગણેચી માતાએ તેમને આશિર્વાદ આપીને કહ્યું હતું કે છે, “બેટા તું ચિંતા કરીશ નહિ, હું તારી પાછળ જ છું, પરંતુ તું પાછું વળીને જોઈશ નહિ.” શ્રી કાલભૈરવનું સ્મરણ કરીને શ્રી કલ્લાજી રાઠોડ મોગલ સૈન્ય ઉપર તૂટી પડ્યા અને મોગલ સૈન્યમાં હાહાકાર મચાવી દીધો હતો. છેક સમ્રાટ અકબર સુધી ખબર પડી ગઈ હતી કે રજપૂતો મોગલ સૈન્યનો દાટ વાળી રહ્યા છે. શ્રી કલ્લાજી રાઠોડ કોઈના રોક્યા રોકાતા ન હતા અને માતાજી અને કાલભૈરવની અસીમ કૃપાને કારણે મોગલ સૈન્યનો કચ્ચરઘાણ કાઢી નાખતા હતા.
ચિંતાતુર અકબર, બીરબલ તથા તેમના અન્ય સેનાનાયકોને તેમના સલાહકારોની સલાહ મળી હતી કે, “રજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ હોય છે જેથી તેઓ ગાય અને બ્રાહ્મણ ઉપર કદી હાથ ઉપાડતા નથી.” આ સલાહ મુજબ મોગલ સેનાનાયકોએ એક ગાય મારીને શ્રી કલ્લાજી રાઠોડના માર્ગમાં નાખી દીધી. ગાયના શરીરમાંથી પુષ્કળ લોહી રેલા મારફતે વહેવા લાગ્યું. આ વહેતુ લોહી જોઈને શ્રી કલ્લાજી રાઠોડ અટકી ગયા અને વિચારવા લાગ્યા કે આ લોહીનો રેલો ઓળંગુ કે ના ઓળંગુ? આ દ્વિધા ઉભી થવાથી માતાજીની સલાહ લેવા માટે તેઓએ પાછુ વળીને જોયું અને પૂછવા ગયા ત્યારે માતાજીએ કહયું “બેટા તે પાછું વળીને કેમ જોયું?” શ્રી કલ્લાજી રાઠોડને માતાજીને આપેલું વચન યાદ આવી ગયું. વચન ભંગ થવાથી શ્રી કલ્લાજી રાઠોડ દુઃખી થઇ ગયા અને તેના પ્રાયશ્ચિત રૂપે તેમણે પોતાના હાથે તલવારથી પોતાનું મસ્તક ઉતારી દઈને માતાજીનાં ચરણોમાં ધરી દીધું. માતાજીની કૃપાથી તેમના ધડને આંખો આવી અને બે હાથમાં તલવાર લઇને તેમણે ત્રણ પ્રહર સુધી યુદ્ધ કર્યું. મોગલ સૈન્યમાં શ્રી કલ્લાજીના આ કમધજ સ્વરૂપનો અદભુત ચમત્કાર જોઈને ડરના માર્યા ભયંકર નાસભાગ મચી ગઈ. તેમના માર્ગમાંથી સૈન્ય હટી ગયું. સામે કોઈ જ ના રહેવાથી છેવટે કલાજીનું ધડ શાંત થયું.
શ્રી કલ્લાજીએ એમની વાગદત્તા શ્રી કૃષ્ણકુમારીને આપેલું વચન કે, “મરતાં પહેલાં હું તને એક વાર મળીશ” એ યાદ આવ્યું અને તે પોતાની જાગીરમાં પાછા આવવા માટે નીકળ્યા. રણેલીયા ગામની ભાગોળે તેઓ આવી પહોંચ્યા. ત્યારે તેમની પાછળ પડેલા બે મોગલ સૈનિકોને ત્યાં ને ત્યાં જ તેઓએ સ્વધામ પહોચાડી દીધા. ત્યાં આવેલા વરખડીના ઝાડ નીચે તેમના ધડે વિસામો લીધો. વરખડીના ઝાડ પરથી પડતાં પાણીના ટીપાઓથી તેમણે તેમની તરસ બુઝાવી. શ્રી કલ્લાજીના વીરગતિના સમાચાર સાંભળી કૃષ્ણાકુમારી ત્યાં દોડતી આવી અને તેમનું ધડ પોતાના ખોળામાં લીધું. જેથી ધડ તરત જ શાંત થઇ ગયું. કૃષ્ણકુમારી પોતાનું લગ્ન થયું ન હોવા છતાં શ્રી કલ્લાજીનું ધડ તેમના ખોળામાં મૂકી ચિતા પર ચઢીને સતી થઇ ગઈ. હજુ આજેય રનેલીયા ગામની ભાગોળમાં આ રણબંકા શૂરવીર શ્રી કલ્લાજી રાઠોડ અને સતી થયેલા કૃષ્ણાકુમારીની સમાધિ તેમના ભવ્ય ભૂતકાળને યાદ કરતી ઉભી છે.
સમયાંતરે શ્રી કલ્લાજી રાઠોડની અદ્ભુત વીરતાની વાતો સમગ્ર મેવાડમાં આગની માફક ફેલાય જાય છે. એવામાં અદ્ભૂત ચમત્કારો બનવા માંડે છે. તેમને યાદ કરવા માત્રથી જ લોકોની આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થવા લાગે છે. શરીરનો ત્યાગ કરીને દેવ સ્વરૂપે રહેલા શ્રી કલ્લાજી રાઠોડ સાડા ચારસો વર્ષોથી જનમાનસમાં ખુબ જ ગૌરવ, આદર અને ભક્તિભાવ ભર્યું સ્થાન પામ્યા છે. અસંખ્ય લોકોના તેઓ અશરણના શરણ બન્યા છે. તેમની યાદમાં અસંખ્ય ગીતો, જોડકણાં, દોહા વગેરે રચાયા છે. નામાંકિત 'વક્તાવર ચારણે' પચ્ચીસ ટૂંકના સુંદર હેલા (શૌર્ય ગીત - બિરદાવલી) ની રચના કરી છે. એવી લોક વાયકા છે કે આ હેલો ગાતાં પહેલાં વક્તાવર ચારણે તેના આખા શરીરને સાંકળથી બાંધી દીધું હતું. જેમ જેમ હેલાની ટૂંકો ગવાતી ગઈ તેમ તેમ 'વક્તાવર ચારણ' ની સાંકળની કડીઓ તૂટતી ગઈ અને અંતે તે બંધન મુક્ત થઈ ગયા. લોકોનો અનુભવ છે કે આ હેલો ગાવા માત્રથી જ શ્રી કલ્લાજી રાઠોડની પ્રત્યક્ષ હાજરી થઇ જાય છે અને ગાનારના દુ:ખ દર્દ દૂર થઈ જાય છે. હાલ રાજસ્થાનમાં શ્રી કલ્લાજીનાં સવાબસો ઉપરાંત મંદિરો આવેલા છે. આ મંદિરોમાં દર રવિવારે બપોરે બે વાગ્યાની આસપાસ પુજારીઓ અથવા પ્રખર ભક્તોના (ભુવાઓના) શરીરમાં એકી સાથે પ્રવેશ કરીને તેઓ પ્રત્યક્ષ હાજરી આપી હજારો લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. સાડા ચારસો વર્ષોથી આ પરંપરા વણથંભી ચાલું જ છે. તેમના નામનું સ્મરણ કરવા માત્રથી તે હાજર થઇ જાય છે અને દુઃખ, દર્દ અને ઉપાધિઓ - મુશ્કેલીઓમાંથી પાર ઉતારી દે છે. કળયુગના તે પ્રત્યક્ષ દેવ છે. આવા શ્રી કલ્લાજી રાઠોડને આપણાં હજારો નમસ્કાર હો.